Home ANAND THAKAR'S WORD રોબોટિક ઉંદર

રોબોટિક ઉંદર

0

રોબોટિક ઉંદર

        – આનંદ ઠાકર

વિજય હોશિયાર છોકરો હતો પણ એટલો આળસુ પણ હતો. તે ખૂબ હોશિયાર હતો તેથી તેને યાત્સુકો મુકોચી નામના વિદ્વાન રોબોટિક સાયન્ટિસ્ટની લેબમાં એડમિશન પણ મળી ગયું હતું. વિજય સામાન્ય રીતે બેઠો જ રહેતો. જે વસ્તુ હાથમાં લે તેમાં ઓછી મહેનતે વધારે કામ મળે તેવું સંશોધન કરવામાં તે રચ્યોપચ્યો રહે.

આળસુવૃત્તિને કારણે તેનું શરીર જાડું થઈ ગયું હતું. તે હવે ધારે તો પણ વધારે હલનચલન કરી શકતો ન હતો. આથી તેને એક દિવસ વિચાર આવ્યો કે તે ખાશે શું? કમાશે શું? આ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તે એક દિવસ મોટી હોટલમાં જમવા ગયો. ત્યાં બધા લોકોને પોતાના કોટના નીચેના ખીસ્સામાંથી પૈસા કાઢતા જોયાં અને તેને આઈડિયા આવ્યો.!

‘ બુદ્ધિશાળી લોકો વિચારે અને મૂર્ખાઓ તરત અમલ કરે ‘ એ કહેવત અનુસાર વિજયે તો તરત એક એવો રોબોટિક ઉંદર બનાવવાનું નક્કી કર્યું, તે ઉંદરમાં એક જ પ્રોગ્રામિંગ કર્યું હતું, આ પ્રોગ્રામ્ડ કરેલો ઉંદર હોટલમાં છૂટ્ટો મૂકી દેવાનો, તે દરરોજ કોઈને કોઈના ખીસ્સામાં ચડીને પૈસાની નોટો પોતાના શરીરમાં સમાવીને પાછો આવતો રહે. તેનું વજન એટલું હલકું રાખવામાં આવ્યું કે કોઈના શરીર પર ચડે તો ખબર પણ ન પડે અને ખૂબ ચીવટથી પાછળના ખીસ્સામાં કે કોટના ખીસ્સામાં ઉતરી પૈસા સરકાવીને આવતો રહે.

શરૂઆતમાં તે સો કે પાંચસો રૂપીયાની એક જ નોટ એક વખતમાં લાવી શકતો ધીરે ધીરે ખીસ્સામાં રહેલી ઘણી નોટો લાવે તેવું પ્રોગ્રામીંગ વિજયે કર્યું. હવે દરરોજ સાંજે કોઈ મોટી હોટેલમાં આ રોબોટિક ઉંદરને વિજય મૂકી આવતો અને રાતે તે હોટલની બહાર ઉભો રહે એટલે સેન્સરની અસરથી પેલો ઉંદર ફરી પાછો વિજય પાસે પહોંચી જાય.

વિજયને તો મજા પડી ગઈ. દરરોજ બે-ત્રણ હજાર રૂપીયા આ ઉંદર કમાઈ આપતો હતો. આળસુ માણસોને શત્રુઓની જરૂર પડતી નથી, તેની બુદ્ધિ જ તેની શત્રુ હોય છે. એવી રીતે વિજયને થયું આ દરરોજ મારે હોટલ પાસે આવવું પડે છે તો હવે અહીં નજીક ઘર લઈ લઉં અને મેપીંગ પ્રોગ્રામિંગ કરી અને આ ઉંદરને તે રીતે જ ઘરેથી મોકલું, જેથી મારે લાંબુ ચાલવું નહીં. સાથે સાથે એવું પ્રોગ્રામિંગ પણ કર્યું કે રોબોટિક ઉંદર આવે અને તીજોરી પાસે જાય એટલે તેની પૂંછ જ તેનો પાસવર્ડ હતો. પૂંછ અડાડે એટલે વિજયની તીજોરી ખૂલે, તીજોરી ખૂલતાની સાથે જ ઉંદર જેટલા રૂપીયા લાવ્યો હોય તે ત્યાં ઠલવી નાખે.

વિજયે હોટલની બાજુમાં જ ઘર લીધું. રોબોટિક ઉંદરમાં એવું પ્રોગ્રામિંગ પણ કરી લીધું. આ સમયગાળા દરમ્યાન જ બન્યું એવુ કે જે હોટલમાં ઉંદર ચોરી કરતો હતો ત્યાં ઉંદરની ચોરીને લીધે પૈસા ગુમ થવાની ફરિયાદમાં વધારો થવા લાગ્યો. હોટલમાં આવનાર ગેસ્ટને ખરાબ અનુભવો થવા લાગતા હોવાથી, તે હોટલમાં આવતા બંધ થવા લાગ્યા. આ જોઈ હોટલના માલિકે તપાસ કરવાનું શરૂ કર્યું.

એકવાર એવું બન્યું કે રોબોટિક ઉંદર હોટલ માલીકના સીસીટીવીમાં આવી ગયો. હોટલ માલીકે પોલિસ ફરિયાદ ન કરી. તેણે ચોર સામે ચોરની જ ટેક્નિક અજમાવી. તેણે તે રોબોટિક ઉંદરને પકડી લીધો. તેને ટેક્નોલોજીસ્ટ પાસે લઈ ગયો. તેના પર સંશોધન કર્યું અને રિવર્સ પ્રોગ્રામિંગ ગોઠવી દીધું.

હવે પેલો ઉંદર વિજયની તીજોરી પાસે જાય છે, તીજોરી ખૂલે છે, તેમાંથી રૂપીયાની નોટોને લઈને હોટલ માલિક પાસે જાય છે. વિજયને એમ કે તેને પ્રોગ્રામ કરેલો ઉંદર બરાબર કામ કરે છે, તેથી તે તો ખાવા, પીવા અને પાર્ટીમા વ્યસ્ત રહ્યા કરે છે.

થોડાદિવસમાં જ વિજય પૈસા માટે તીજોરી પાસે જાય છે તો તેમાં એક પણ રૂપીયો હોતો નથી. આ જોઈ અને વિજયને ત્યાં જ ખૂબ દુઃખ થાય છે. તેને થયું કે મારા સાહેબે ભણાવેલા જ્ઞાનનો દુરુપયોગ થયો હોવાથી મને આ સજા મળી છે. તે દુઃખી થયો અને તેના સાહેબની માફી માંગી, સાહેબને થયું  વિજયને તેની ભૂલ સમજાઈ ગઈ છે તેથી તેને આળસ છોડી કામ કરવાનું સૂચવ્યું અને આ રીતે આળસુ વિજય સાહેબની લેબમાં જ નોકરી પર લાગી મહેનતની કમાઈ ખાવા લાગ્યો. 🔘

    – આનંદ ઠાકર
( આ વાર્તા સ્કોટ એમ. મેડન ની વાર્તા ‘ ધ માઉસ થીફ ‘ પરથી પ્રેરણા લઈને નવા યુગની વાર્તા બનાવી છે. બાળવાર્તા માં કલ્પનાનું વિશ્વ ખોલનાર એ અમેરિકન લેખકને સાભાર વંદન સહ શબ્દાંજલિ )

( આનંદ ઠાકરની ‘ ખાધું પીધું ને પાર્ટી કરી ‘ બાળવાર્તા સંગ્રહ માંથી આ વાર્તા પ્રસિદ્ધ કરી છે. આ વાર્તા અને ચિત્રો જેના તમામ હક્ક એમના કોપીરાઇટ હેઠળ છે માટે લેખકની મંજુરી વગર આ વિષયવસ્તુના ઉપયોગ કાયદાને આધિન છે. લેખકના સંપર્ક નંબર – 8160717338 )

🙏🌈🌈🌈🌈🌈🌈🌈🙏

અમારી અન્ય બાળવાર્તાઓ… 👇👇👇

સ્કુલના વડલા દાદા

આપ કતાર મેં હૈ…!

જંગલ એપ્લિકેશન

RRR ના કોમારામ ભીમ

****

નમસ્તે, વિદ્યાર્થી મિત્રો તથા વલિશ્રીઓ,
આજથી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ધો. ૧ થી ૯નું ઓફ લાઈન શિક્ષણ બંધ થયું છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ છે અને જ્યારે બાળકો ઘરે છે ત્યારે એનું ઓછામાં ઓછું વાંચન લેખક છૂટી ન જાય તે માટે આપના સહકારથી આ કાર્ય કરાવો. જેથી કેળવણી સાથે બાળક જોડાઈ રહે. 👇

અર્થગ્રહણ: ધો. ૩ થી ૫ માટે આજનો ફકરો…

અર્થગ્રહણ: ધો. ૬ થી ૮ માટે આજનો ફકરો…

error: Content is protected !!
Exit mobile version